સુરત શહેર ફરી એકવાર હિંસક ઘટનાને લઈને ચર્ચામાં આવ્યું છે. સિંગણપોર વિસ્તારમાં બે યુવકોની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટુ માળી પોતાના મિત્રો સાથે ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન ત્યાં હાજર કેટલાક અન્ય યુવકો સાથે તેમની કોઈ બાબતે ઝઘડો થયો હતો.
10થી 15 યુવકોના ટોળાનો હુમલો
ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લગભગ 10થી 15 જેટલા યુવકોએ એકત્ર થઈને બંને યુવકો પર ચપ્પુ સહિતના હથિયારો વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ડોક્ટરોની ટૂંકી સારવાર બાદ બંને યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.













