સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-શંખેશ્વર હાઈવે પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. પાનવા ગામના પાટિયા પાસે કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બપોરના સમયે સર્જાયો કાળ
ઘટનાની મળતી માહિતી અનુસાર, દસાડા-શંખેશ્વર હાઈવે પરથી પસાર થઈ રહેલી રિક્ષા અને કાર વચ્ચે પાનવા ગામના પાટિયા પાસે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓએ ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
મૃતકોની ઓળખ
દસાડા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, મૃતકો અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ઝેરડા ગામના રહેવાસી હતા. જેમાં સેંધાજી ભીખાજી ઠાકોર (ઉં.વ. 35) અને મેરાજી ગાંભાજી પરમાર (ઉં.વ. 55) નો સમાવેશ થાય છે. આ સમાચાર મળતા જ ઝેરડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક દસાડા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. દસાડા પોલીસે બંને મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે, અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surendranagar News: બજાણામાંથી દોઢ કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ