સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની જમીન કૌભાંડમાં ધરપકડ થયા બાદ હવે તેમના સરકારી નિવાસસ્થાનને ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કરોડોના જમીન કૌભાંડમાં નામ ખુલતા અને EDની તપાસનો ગાળિયો કસાતા, તત્કાલીન કલેક્ટરનો સામાન ટ્રક ભરીને સરકારી બંગલામાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જમીન કૌભાંડની ગંભીરતાને જોતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂર્વ કલેક્ટરના સરકારી આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
જમીન કૌભાંડમાં રાજેન્દ્ર પટેલનું નામ સામે આવતા ધરપકડ
સર્ચ ઓપરેશન દરમિયાન EDએ આવાસમાંથી અનેક શંકાસ્પદ ફાઈલો, મહત્વના દસ્તાવેજો અને કિંમતી ઘરેણાં જપ્ત કર્યા હોવાની વિગતો સામે આવી હતી. આ પુરાવાઓના આધારે ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. જમીન મહેસૂલના નિયમોનો ભંગ કરી આચરવામાં આવેલા આ કૌભાંડમાં એક ઉચ્ચ અધિકારીની સંડોવણીથી સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે.













