શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા જિલ્લાના 80 જેટલા શાહુકારોને તેમનો પરવાનો રીન્યુ ન કરાવવા બદલ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર કોમલ કે. ચૌધરી અને સહકારી અધિકારી (ધિરધાર) નિકુલગીરી એન. ગોસ્વામી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી આ નોટીસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, નોટીસ મળ્યાના ૧૫ દિવસની અંદર સંબંધિત શાહુકારોએ લેખિત અથવા મૌખિક ખુલાસો કચેરી સમક્ષ રજુ કરવાનો રહેશે.
એક તરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
આ સાથે જ E-Cooperative Portal (https://ecooperative.gujarat.gov.in) પર જરૂરી આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન તાજું અથવા રીન્યુ કરવા માટે અરજી કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ખુલાસો કે અરજી રજુ કરવામાં કસુર કરનાર શાહુકારો સામે કડક વલણ અપનાવવામાં આવશે. જો રજુ કરાયેલ ખુલાસો અસંતોષકારક જણાશે અથવા સમય મર્યાદામાં જવાબ નહિ મળે, તો ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ ની જોગવાઈ મુજબ એકતરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.













