જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.


પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું

આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી નંબર: GJ03BW7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું.

માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરાફેરી કરાતી

પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો.

ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી

આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૬૨,૪૧૧.૮૫/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. ૪,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન મળી કુલ રૂ. ૪,૬૨,૪૧૧.૮૫/- નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.


આ પણ વાંચો : Navsari News : નવસારીની પ્રાથમિક શાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ



  • Follow us on: