સાબરકાંઠા જિલ્લામાં જાણે અગ્નિદેવ કોપાયમાન થયા હોય તેમ આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે તલોદની વાવડી ચોકડીથી હરસોલ તરફ જતાં માર્ગ પર એક ટ્રક ટેલરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી.


એન્જિનના ભાગમાં ભારે નુકસાન

ઘટનાની મળતી માહિતી અનુસાર, ચાલતી ટ્રક ટેલરમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ટ્રકના એન્જિનના ભાગને લપેટમાં લઈ લીધો હતો. આગ એટલી ભીષણ હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા, જેના કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક તલોદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકના એન્જિનના ભાગમાં મોટું આર્થિક નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં આગની આ ત્રીજી ઘટના નોંધાઈ છે, જેને પગલે વહીવટી તંત્ર અને લોકોમાં ચિંતા વધી છે.


આ પણ વાંચો -  Sabarkanthaના ભાણદા ગામે લોકમેળાની રંગત, 13 ગામોના લોકો ઢોલ તાલે ઉમટી પડ્યા, જુઓ Video


  • Follow us on: