બનાસકાંઠાના સરહદી થરાદ અને વાવ પંથકમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. માલસામાનની હેરફેર માટે વપરાતા પિકઅપ ડાલામાં ક્ષમતા કરતા અનેકગણા વધુ મુસાફરોને બેસાડીને 'મોતની મુસાફરી' કરાવવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થતા સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
નાના બાળકો અને મહિલાઓના જીવ જોખમમાં
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક નાના પિકઅપ ડાલામાં નાના ભૂલકાઓ, મહિલાઓ અને વૃદ્ધોને જોખમી રીતે બેસાડવામાં આવ્યા છે. વાહનની ઉપર અને પાછળ લટકીને મુસાફરી કરતા લોકોના જીવ ગમે ત્યારે જોખમાઈ શકે તેવી સ્થિતિ છે. માત્ર માલસામાન માટે પરવાનગી ધરાવતા આ વાહનોમાં પેસેન્જરોની બેફામ હેરાફેરી થઈ રહી છે.
તંત્રની મીઠી નજર હેઠળ કાયદાના ધજાગરા?
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જવાબદાર તંત્ર અને RTO વિભાગના નાક નીચે આ પ્રકારની જોખમી હેરાફેરી છડેચોક ચાલી રહી છે. સરહદી વિસ્તારમાં વાહન ચાલકો વધુ કમાણીની લાલચમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે જો આ મોતની મુસાફરીમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થશે, તો તેનો જવાબદાર કોણ?
કડક કાર્યવાહીની માગ
વારંવાર બનતી આવી ઘટનાઓ અને વાયરલ વીડિયો બાદ હવે જનતા માંગ કરી રહી છે કે પોલીસ અને RTO વિભાગ માત્ર કાગળ પર નહીં પણ રસ્તા પર ઉતરીને આવા બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે. જો સમય રહેતા આવા જોખમી વાહનો પર લગામ નહીં કસવામાં આવે તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો - Vav Tharad News: ઢીમા ખાતે ઢેમેચા પરિવારે પોલીસ બંદોબસ્ત સાથે ધરણીધર મંદિરમાં પૂજા કરી