બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડગામમાં આજે એક એવી ઘટના બની છે જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ગામના તળાવમાં પાણી ભરવા ગયેલા શિવાભાઈ વાલ્મિકીના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પોતાની માતાની નજર સામે જ તેમના ત્રણ સંતાનો એકપછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એક માસૂમ બાળકને બચાવવાના પ્રયાસમાં અન્ય બે બહેનોએ પણ પોતાના જીવ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.


ભાઇને બચાવવા જતા બે બહેનો તળાવમાં ડૂબી

12 વર્ષીય વિપુલ તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. પોતાના નાના ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા માટે 13 વર્ષીય ગુડીબેન અને 18 વર્ષીય હેતલબેને તળાવમાં ઝંપલાવ્યું હતું. જોકે, તળાવમાં પાણી ઊંડું હોવાને કારણે અને ભાઈને બચાવવાની મથામણમાં ત્રણેય ભાઈ-બહેનો એકબીજાને બચાવી શક્યા નહીં અને ત્રણેયનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે વાલ્મિકી સમાજ સહિત સમગ્ર ડોડગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા

આ દુર્ઘટનામાં સૌથી વધુ કરુણ બાબત એ છે કે 18 વર્ષીય મૃતક હેતલબેન પોતે પરણેલા હતા અને તેમને બે નાના માસૂમ બાળકો છે. પોતાના ભાઈ અને બહેનને બચાવવાની લ્હાયમાં તેમણે પોતાના જીવની આહુતિ આપી દીધી, જેના કારણે હવે તેમના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને નોંધારા બન્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: