વાવ-થરાદ હાઈવે પર આવેલા આગથળા નજીક આજે એક સ્કોર્પિયો કાર ચાલકે ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા. પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવી રહેલા ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ આ બેફામ ગાડી જોઈને અચંબામાં પડી ગયા હતા.
પોલીસને જોઈ કાચા રસ્તે ગાડી ભગાડી
ઘટનાની વિગત મુજબ, આગથળા નજીક ગોઢા ફાટક પાસે જ્યારે આ સ્કોર્પિયો ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો, ત્યારે ફરજ પરના પોલીસ કર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈને ઉભા રહેવાને બદલે ચાલકે ગાડીની ઝડપ વધારી દીધી હતી અને ફિલ્મી ઢબે કાચા રસ્તે ગાડી ભગાડી મૂકી હતી. આ સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.













