ગાંધીનગર જિલ્લાના છત્રાલ જીઆઈડીસી નજીક વહેલી પરોઢે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર અને આઇશર ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનોના કુરચા બોલી ગયા હતા. અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


વહેલી સવારે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, જ્યારે સમગ્ર પંથક ગાઢ નિદ્રામાં હતો, ત્યારે છત્રાલ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. અંધારામાં વાહનોની સ્પીડ વધુ હોવાથી ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ધડાકાભેર થયેલા અવાજને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ કલોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને વાહનમાંથી બહાર કાઢી પંચનામું કરી પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ કરવાની તજવીજ પણ હાલ ચાલુ છે.


આ પણ વાંચો - Gandhinagar ના રાંધેજામાં વાંદરાનો આતંક, યુવાનને બચકું ભરતાં 5 ટાંકા આવ્યા, લોકોમાં ભય


  • Follow us on: