ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉનામાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને જાહેર રસ્તા પર જ કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા છે.


એક મહિલા સહિત પાંચ લોકો વચ્ચે હિંસક ધીંગાણું

શહેરની સરકારી હોસ્પિટલ નજીક ભરેલા બજારમાં એક મહિલા સહિત પાંચ લોકો વચ્ચે હિંસક ધીંગાણું ખેલાયું હતું. જાહેર માર્ગ પર હથિયારો સાથે થયેલી આ બબાલને પગલે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ મામલે પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી છે.

ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા

મળતી માહિતી અનુસાર, સરકારી હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તાર નજીક કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. અસામાજિક તત્વો ખુલ્લેઆમ છરી અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ પેટ્રોલિંગના મોટા-મોટા દાવાઓની પોલ ખુલી ગઈ છે. સ્થાનીક લોકોમાં ચર્ચા છે કે છેલ્લા ત્રણ મહિનામાં જાહેરમાં ગુંડાગર્દી અને મારામારીની આ બીજી મોટી ઘટના છે, જે દર્શાવે છે કે ગુનેગારોમાં હવે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી.

 પોલીસે ત્વરિત એક્શન લઈને મામલો થાળે પાડ્યો

આ સમગ્ર હિંસક ઘટના બાદ ઉના પોલીસે ત્વરિત એક્શન લઈને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે હુમલાખોરો પાસેથી ઘટનાસ્થળેથી જ છરી અને લાકડીઓ કબજે કરી લીધી છે અને એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે. પોલીસે આ તમામ શખ્સો સામે જાહેર શાંતિ ભંગ અને હિંસક હુમલો કરવાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ઉના શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live : બોર્ડર પર પોલીસનું મોટું ઓપરેશન, ઉચ્ચ IPS અધિકારીઓ સરહદી ગામોમાં ઉતર્યા


  • Follow us on: