સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. ખુલ્લી ગટરમાં પડી જવાથી એક આશાસ્પદ યુવકનું અકાળે મોત નીપજતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. જોકે, આ ઘટનાને ગંભીરતાથી લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી
માંજલપુરમાં બનેલી આ ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ત્વરિત એક્શન લેતા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી છે. આ મામલે ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીને તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયથી અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ ફરિયાદ અને તપાસનો ધમધમાટ
માત્ર વહીવટી કાર્યવાહી જ નહીં, પરંતુ કાયદાકીય પાઠ ભણાવવા માટે વડોદરા મનપા દ્વારા પોલીસ મથકમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે માનવ જિંદગી હોમાઈ હોવાથી, તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
અધિકારીઓ પર પણ ગાજ પડી
આ દુર્ઘટનામાં માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ દેખરેખમાં નિષ્ફળ રહેલા સરકારી અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠ્યા છે. જેને પગલે પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. વહીવટી તંત્રના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં.
સ્થાનિકોમાં આ ઘટના બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે, જો સમયસર ગટરના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોત, તો આજે એક યુવાનનો જીવ બચી શક્યો હોત. હાલમાં પોલીસ અને મનપા બંને પોતપોતાની રીતે તપાસ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો - Vadodara News: અંકલેશ્વર હાઇવે પર માર્ગ અકસ્માત, એકનું મોત