વડોદરમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં વધુ એક અકસ્માત સર્જાતા શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરા અંકલેશ્વર હાઇવે પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહન દ્વારા બાઈક પર સવાર દંપતિને અડફેટે લેવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં બાઈક પર સવાર મહિલાનું ઘટના સ્થળે મોત
વડોદરાથી અંકલેશ્વર તરફ જતા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ દંપતી બાઈક પર સવાર થઈને નેશનલ હાઇવે 48 સુંદરપુરા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યું હતું. જે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર મહિલા જયશ્રીબેન પટેલનું ઘટના સ્થળે મોત થયું હતું.













