વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને વિવાદ વધુ ગાઢ બન્યો છે. ચૂંટણી પ્રક્રિયા સામે દાખલ થયેલી અરજીના પગલે મામલો હાલ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. અરજીમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર લોકો સામે આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અરજદાર પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને મતગણતરી અટકાવવાની માગ કરવામાં આવી છે.


સુનાવણી બાદ જ મત ગણતરી હાથ ધરાશે

હાઈકોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન કેસની ગંભીરતા ધ્યાનમાં લઈને આગામી 5 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુનાવણી પૂર્ણ થયા બાદ જ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પરિણામે હાલ ચૂંટણીના પરિણામો પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. ચૂંટણીને લઈને બંને પક્ષોમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. એસોસિએશનના સભ્યો અને ક્રિકેટ જગતમાં પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા કોર્ટનો હસ્તક્ષેપ જરૂરી

અરજદાર પક્ષનું કહેવું છે કે પારદર્શકતા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા કોર્ટનો હસ્તક્ષેપ જરૂરી છે, જ્યારે પ્રતિવાદી પક્ષે તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે. હવે 5 માર્ચની સુનાવણી પર સૌની નજર ટકેલી છે. કોર્ટના અંતિમ નિર્ણય બાદ જ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે અને મતગણતરીની પ્રક્રિયા આગળ વધશે.

આ પણ વાંચો : Vadodara News: નંદેસરી GIDCમાં ગેસ લાઈન લીકેજથી ભીષણ આગ



  • Follow us on: