દેશના વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતા સાંસદ ડો.હેમાંગ જોશીના એક નવતર પ્રયોગના ભાગરૂપે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે વડોદરામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.અટલ સાંસદ જનસેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું.આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે.


મોબાઈલથી મળશે સાંસદ કાર્યાલયની સેવાઓ

ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશમાં નાગરિકોને નાની નાની બાબતો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ ઈ-પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી નાગરિકો સાંસદ સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માંગણી કરી શકશે,આગામી કાર્યક્રમો અને ઇવેન્ટ્સનું શેડ્યૂલ જાણી શકશે તેમજ એમપી લેડ્સ (MP-LADS) હેઠળના વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકશે. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ થશે.

સૂચનો સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે

આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા જ પોર્ટલ મારફતે પોતાની રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે, જેના પરિણામે સમય અને ખર્ચ બંનેની બચત થશે.લોકસભા સત્ર દરમિયાન સાંસદ દિલ્હી ખાતે હોય ત્યારે પણ નાગરિકોની રજૂઆતો સીધી પોર્ટલ મારફતે પ્રાપ્ત થઈ શકશે અને તેને ઇમેઇલ અથવા ટેલિફોનિક સંદેશ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપી શકાશે.

મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થશે

નાગરિકો 95127 69834 નંબર પર “Namaste” લખીને સંદેશ મોકલશે તો તરત જ એમપી ઓફિસ પોર્ટલનું મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થશે. આ મેનુ મારફતે સાંસદનો સંપર્ક, સોશિયલ મીડિયા લિંક્સ, અપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ, એમપી લેડ્સના કાર્યોની માહિતી સહિત વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે. હાલમાં પોર્ટલ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ આગામી સમયમાં તેને ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.


આ પણ વાંચોઃ Vadodara : દીકરીઓની સુરક્ષા માટે માતા-બહેનોને રાણી લક્ષ્મીબાઈ બનવા Dy.CM હર્ષ સંઘવીનું આહ્વાન


  • Follow us on: