દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતા સાંસદ ડો. હેમાંગ જોશીના એક નવતર પ્રયોગના ભાગરૂપે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે વડોદરામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું.


ઈ-પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું

આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે. ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશમાં નાગરિકોને નાની નાની બાબતો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ ઈ-પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.

 વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકાશે

આ પોર્ટલના માધ્યમથી નાગરિકો સાંસદ સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માંગણી કરી શકશે, આગામી કાર્યક્રમો અને ઇવેન્ટ્સનું શેડ્યૂલ જાણી શકશે તેમજ એમપી લેડ્સ (MP-LADS) હેઠળના વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકશે. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ થશે.

 રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકાશે

આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા જ પોર્ટલ મારફતે પોતાની રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે, જેના પરિણામે સમય અને ખર્ચ બંનેની બચત થશે. લોકસભા સત્ર દરમિયાન સાંસદ દિલ્હી ખાતે હોય ત્યારે પણ નાગરિકોની રજૂઆતો સીધી પોર્ટલ મારફતે પ્રાપ્ત થઈ શકશે અને તેને ઇમેઇલ અથવા ટેલિફોનિક સંદેશ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપી શકાશે.

વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે

નાગરિકો 95127 69834 નંબર પર “Namaste” લખીને સંદેશ મોકલશે તો તરત જ એમપી ઓફિસ પોર્ટલનું મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થશે. આ મેનુ મારફતે સાંસદનો સંપર્ક, સોશિયલ મીડિયા લિંક્સ, અપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ, એમપી લેડ્સના કાર્યોની માહિતી સહિત વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે.

ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ થશે

હાલમાં પોર્ટલ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ આગામી સમયમાં તેને ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ઈ-ગવર્નન્સને વધુ મજબૂત થશે

આ પહેલ વડોદરા જિલ્લામાં ઈ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે અને નાગરિકો તથા જનપ્રતિનિધિઓ વચ્ચે ઝડપી અને પારદર્શક સંવાદ સુનિશ્ચિત કરશે.


આ પણ વાંચો----     Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ

  • Follow us on: