વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રેલવે કોલોનીના ‘ડી’ કેબીન ખાતે આવેલા અતિ પ્રાચીન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મૂર્તિ આયોજીત પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી અખંડ જ્યોત અને ભવ્ય કળશ યાત્રામાં સહભાગી થઈ આસ્થાના આ કેન્દ્ર ખાતે શીશ નમાવ્યું હતું. આ મહોત્સવ અંતર્ગત મંદિરમાં ખાટૂ શ્યામ, સાંવરિયા શેઠ અને ભારત માતાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.


અતૂટ શ્રદ્ધા અને સામાજિક એકતાના દર્શન

આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર વડોદરાની આસ્થાનું પ્રાચીન અને અત્યંત પવિત્ર કેન્દ્ર છે. અહીં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ રેલવેના અસ્તિત્વ પૂર્વેથી પેઢીઓ સુધી નગરજનોને આશીર્વાદ આપી રહ્યું છે. મંદિરના જીર્ણોદ્ધારની વિશિષ્ટતા અંગે તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે, આસપાસની કોલોનીના દરેક પરિવારે દર મહિને દાન થકી રકમ એકત્રિત કરીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. આ આર્થિક સહયોગ કોઈ મોટા દાતાના દાન કરતા પણ અનેકગણો વિશેષ છે, કારણ કે તેમાં અતૂટ શ્રદ્ધા અને સામાજિક એકતાના દર્શન થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

દીકરીઓના રક્ષણ માટે ‘રાણી લક્ષ્મીબાઈ’ બનવા આહ્વાન

મહિલા સુરક્ષા અને સામાજિક જવાબદારી અંગે ભાર મૂકતા શ્રી હર્ષભાઈ સંઘવીએ અત્યંત સંવેદનશીલ અપીલ કરતા આહ્વાન કર્યું હતું કે, જો સમાજની કોઈ ભોળી દીકરી અજાણતા કોઈ દુષ્ટ તત્વોનો શિકાર બને, તો સમાજે તેની ટીકા કરવાને બદલે સહાનુભૂતિ દાખવી તેને માનસિક અને સામાજિક ટેકો આપવો જોઈએ. તેમણે ઉપસ્થિત માતાઓ અને બહેનોને દીકરીઓના રક્ષણ માટે ‘રાણી લક્ષ્મીબાઈ’ બનવા આહ્વાન કર્યું હતું.

રાજ્ય સરકારની ગુનેગારો સામેની કડક નીતિ

રાજ્ય સરકારની ગુનેગારો સામેની કડક નીતિ સ્પષ્ટ કરતા નાયબ મુખ્યમંત્રીએ મક્કમ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જે કોઈ ઈસમ પોતાની ઓળખ છુપાવી, ખોટું નામ ધારણ કરી દીકરીઓને ષડયંત્રમાં ફસાવશે અથવા બળપૂર્વક લગ્ન કરશે, તો તેમની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યંત કડક કાયદાકીય પગલાં ભરશે. આવા ગુનેગારોને જિંદગીભર જેલની સજા થાય તેવી જોગવાઈ સાથે સરકાર મજબૂતાઈથી કામ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા અને સુરત જેવા જિલ્લાઓમાં પોલીસ તંત્રએ અનેક દીકરીઓને આવા વિષચક્રમાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મેળવી હોવાનો તેમણે સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.

મંદિર ટ્રસ્ટ નવો પ્લાન રજૂ કરશે તો સરકારની મદદ મળશે

શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ભાવિ વિકાસ માટે સૂચન કરતા નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, જો મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી રજૂ કરવામાં આવશે, તો રાજ્ય સરકારના ‘પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા રૂ. ૨૫ લાખ સુધીની તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. આ પ્રાચીન સ્થળ વધુ સુવિધાયુક્ત બને તે માટે સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


આ પણ વાંચો----    Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ

  • Follow us on: