સંસ્કારી નગરી વડોદરામાં ધુળેટીના દિવસે જ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાડી વિસ્તારમાં આવેલી વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના પેવેલિયન નજીક એક લક્ઝરી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી પેવેલિયનની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી અને લોખંડના થાંભલા સાથે અથડાઈ હતી.
કારના ઉડ્યા કુરચે-કુરચા
અકસ્માત એટલો ભીષણ હતો કે, કારના આગળના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, કારની સ્પીડ વધુ હોવાથી અથડાતાની સાથે જ ડ્રાઇવર સીટની બંને એરબેગ્સ ખુલી ગઈ હતી, જેના કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે, છતાં તેને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.
સુપરવાઇઝર અને પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન
યુનિવર્સિટીના સિક્યુરિટી સુપરવાઇઝર હેમંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કાર ચાલક અત્યંત સ્પીડમાં હતો અને તેણે પેવેલિયનની દિવાલ તોડી નાખી છે. અકસ્માત કેવી રીતે થયો તેની અમને સચોટ જાણ નથી. બીજી તરફ, ઘટના સ્થળે પહોંચેલા કાર માલિકના મિત્ર ભાવેશ કોળીએ જણાવ્યું કે, કારમાં બે થી ત્રણ જણા સવાર હતા, પરંતુ અકસ્માત સમયે કાર કોણ ચલાવતું હતું તેની તેમને જાણ નથી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કે, શું કાર ચાલક નશાની હાલતમાં હતો કે માત્ર ઓવરસ્પીડને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો - Vadodara : કલાલી-દરબાર ચોકડી ઉપર બાઇકરે મોપેડ ચાલકને અડફેટે લીધો, બાઈકરનો હેલ્મેટ કેમેરાનો વીડિયો વાયરલ