વડોદરાના માંજલપુર વિસ્તારમાં આજે એક રહેણાંક એપાર્ટમેન્ટના નીચેના ભાગમાં આવેલી દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે લાગેલી આ આગને કારણે આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બહાર દોડી આવ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હોવાથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
એપાર્ટમેન્ટના નીચે આવેલ દુકાનમાં આગ
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની આ સમયસૂચકતાને કારણે આગ એપાર્ટમેન્ટના ઉપરના માળ સુધી પ્રસરે તે પહેલાં જ ઠારી દેવામાં આવી હતી, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ દુર્ઘટનામાં દુકાનમાં રાખેલો ફર્નિચર અને અન્ય કિંમતી માલ-સામાન બળીને ખાખ થઈ ગયો છે.













