વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી હત્યાનો એક ચોંકાવનારો અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 30 વર્ષીય પત્ની ગુલબાનુએ તેના 32 વર્ષીય પતિ ઈર્શાદ વણઝારાની હત્યા કર્યાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પરિવારના આક્ષેપો મુજબ 18 તારીખે રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ગુલબાનુએ મુંબઈ સ્થિત પોતાના મિત્ર તોસિફને બોલાવીને ષડયંત્ર રચ્યું હતું. આ ષડયંત્રના ભાગરૂપે પતિ ઈર્શાદને ઊંઘની ગોળીઓ આપીને બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.
મૃતકના ભાઈને ભાભી સામે શંકા જતા કર્યા આક્ષેપ
19 તારીખે ઈર્શાદનું આકસ્મિક મોત થયું હોવાનું માનીને દફનવિધિ કરવામાં આવી હતી. જોકે મૃતકના ભાઈને શંકા જતાં તેમણે ભાભી ગુલબાનુના મોબાઈલની તપાસ કરી હતી. જેમાં કોઈ એક જ નંબર પર વારંવાર કોલ થયાનું જણાયું હતું. શંકાને આધારે પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહને કબરમાંથી બહાર કઢાવ્યો છે અને તેને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસ હાલમાં તમામ પાસાઓ ચકાસી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.













