વડોદરા જિલ્લાના વાઘોડિયા એસટી ડેપોના કમ્પાઉન્ડમાં આજે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ડેપોના કમ્પાઉન્ડમાં એક અજાણ્યા આધેડ બેભાન અવસ્થામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જાગૃત નાગરિકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ આધેડનું મોત નીપજ્યું હતું.
ઓળખ વિધિ અને પોલીસ તપાસ
ઘટનાની જાણ થતા જ વાઘોડિયા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી એક પાકિટ મળી આવ્યું હતું, જેમાં આધાર કાર્ડ, ફોટો અને સગા-સંબંધીઓના મોબાઈલ નંબર હતા. તેના આધારે મૃતકની ઓળખ રણછોડભાઈ વસાવા (રહે. મોટી ચીખલી, બોરીદ્રા, જિલ્લો નર્મદા) તરીકે થઈ છે.
ગરમીના કારણે મોતનું પ્રાથમિક તારણ
હાલ ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, રણછોડભાઈનું મોત અસહ્ય ગરમી અને હીટવેવના કારણે થયું હોઈ શકે છે. અચાનક બેભાન થઈ ગયા બાદ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી અથવા હીટ સ્ટ્રોકને કારણે તેમનો જીવ ગયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
પરિવારમાં શોકની લાગણી
વાઘોડિયા પોલીસે ટેલિફોનિક સંપર્ક કરીને મૃતકના પરિવારને આ દુખદ ઘટનાની જાણ કરી હતી. સમાચાર મળતા જ નર્મદા જિલ્લાથી પરિવારના સભ્યો વાઘોડિયા આવવા રવાના થયા છે. પોલીસે હાલ મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે એસટી ડેપો અને આસપાસના વિસ્તારમાં ગભરાટ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Vadodara News : વડોદરામાં કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ, પોલીસે ગેંગ પાસેથી 400 કિલો કોપર કબ્જે કર્યુ