31 માર્ચે નાણાકિય વર્ષ 2025-26ની પૂર્ણાહૂતિ થઈ રહી છે અને તેનુ કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયુ છે. ત્યારે પંચાયત વેરો વસૂલવામાં નબળી કામગીરી કરનાર અધિકારીઓ સામે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ લાલઆંખ કરીને સપાટો બોલાવ્યો હતો. ત્યારે દાખલો બેસાડવા માટે હિરપરાએ પાંચ TDO અને 100 તલાટીનો માર્ચ મહિનાનો પગાર રોકી દેતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પંચાયત વેરો વસૂલવામાં નિષ્ફળતા જતા કાર્યવાહી
વડોદરા જિલ્લામાં 8 તાલુકા આવેલા છે અને તેમાં કુલ 530 ગ્રામ પંચાયતો આવેલી છે. આ ગામ પંચાયતોએ કરદાતાઓ પાસેથી પંચાયત વેરો વસૂલવાનો હોય છે. વર્ષ 2025-26નો કુલ રૂ.84 કરોડનો પંચાયત વેરો વસૂલવાનો હતો,પરંતુ તે પંચાયત વેરો વસૂલવાની કામગીરી ઢીલી ચાલતી હતી. જેથી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ પંચાયત વેરો વસૂલવાની કામગીરી સાથે સંકળાયેલા તાલુકા વિકાસ અધિકારીઓ અને પંચાયતના તલાટીઓને સૂચનાઓ આપી હતી.એ પછી પણ કામગીરીમાં ખાસ કંઈ ભલેવાર ન દેખાતા હિરપરાએ ગત નવેમ્બર-2025થી આવા અધિકારીઓને નોટિસો બજાવવાની શરૂઆત કરી દીધી હતી.
વેરા વસુલાતનો ટાર્ગેટ પૂરો ન થતા DDOનો આદેશ
ત્રણ-ત્રણ નોટિસો બજાવ્યા પછી ચાર મહિને પણ આ તાલુકા વિકાસ અધિકારીઓ અને પંચાયતના તલાટીઓ સરકારી સ્ટાઈલમાં જ કામ કરતા હતાં.સરકાર તેમને લાખો રૂપિયાનો પગાર ચૂકવતી હોવા છતાં તેઓ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાનુ પાલન કરતા ન હતા અને પોતાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા રહેતા હતાં.ઓફિસોમાં બેસીને માત્ર વહિવટો કરતા આ અધિકારીઓ સામે આખરે મમતા હિરપરાએ લાલઆંખ કરી હતી.31મી માર્ચે નાણાકિય વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને હવે તે માટેનુ કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયુ છે.
નોટિસ બાદ 4 મહિને કામગીરી ન કરતા કાર્યવાહી
ત્યારે રૂ.84 કરોડ પૈકી માત્ર રૂ.38 કરોડની જ પંચાયત વેરાની વસૂલાત થતા મમતા હિરપરાએ સપાટો બોલાવ્યો હતો અને સરકારી અધિકારીઓ કર્મચારીઓમાં દાખલો બેસે તે માટે ઐતિહાસીક નિર્ણય લીધો હતો.કુલ વસૂલવાપાત્ર રકમ પૈકી માત્ર 45 ટકા જેટલી જ વસૂલાત થતા મમતા હિરપરાએ પાંચ તાલુકા વિકાસ અધિકારી તેમજ 100 તલાટીઓનો માર્ચ મહિનાનો પગાર જ રોકી દીધો હતો.જેને લઈને આ અધિકારીઓમાં ફફડાટ ફેલાતા હવે ઉંચા-નીચા થવા લાગ્યા છે. માત્ર ઓફિસોમાં બેસીને સરકારી પગાર લેનારા આ અધિકારીઓને સબક શીખવવાનો આ પ્રયાસ જિલ્લા પંચાયતમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે. કચેરી ભલે સરકારી હોય પરંતુ સરકારી સ્ટાઈલથી 'સબ ચલતા હે' હવે નહીં ચાલે તે ઉદાહરણ પુરુ પાડી દીધું છે.
આ પણ વાંચોઃ Gurugram News: હરિયાણાના ગુરૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી, 9 મજૂરોનાં મોત