વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. કરજણ પાસે આવેલા લકોદરા પાટિયા નજીક આજે એક બેફામ દોડતી કાર દ્વારા બાઈકને જોરદાર ટક્કર મારવામાં આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, એક દંપતી પોતાની બાઈક પર સવાર થઈને વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન લકોદરા પાટિયા પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર મહિલા રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
કારચાલક કાર મૂકીને ફરાર
અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની ગંભીરતા જોઈને કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના દ્વારા ઈજાગ્રસ્ત પતિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે બિનવારસી હાલતમાં મળેલી કાર કબ્જે કરી છે અને ફરાર કારચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Vadodara News : એક ગેંગ જેલમાં ગઈ ત્યાં બીજી સક્રિય, શિનોર પંથકમાં તસ્કરોએ મચાવ્યો હાહાકાર