વડોદરા શહેરમાં જાણે અકસ્માતોની વણથંભી વણઝાર લાગી હોય તેમ વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના પ્રખ્યાત સયાજીબાગ વિસ્તાર પાસે આજે એક એસટી બસ અને ખાનગી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર સિનિયર સિટીઝનનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ડિવાઈડર સાથે અથડાઈ કાર
ઘટનાની મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના સયાજીબાગ પાસે સીધા રોડ તરફ જઈ રહેલી એક કારને પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર બેકાબૂ બનીને સીધી ડિવાઈડર સાથે જઈ અથડાઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોના જીવ પડીકે બંધાયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.













