વડોદરાના શિનોર તાલુકાના સાધલી અને સેગવા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓથી ભયનો માહોલ હતો. આ ગુનાઓનો ઉકેલ લાવતા શિનોર પોલીસે ધાબળા ગેંગના ચાર સભ્યોને દિવેર ગામેથી દબોચી લીધા છે. આ તસ્કરોએ સાધલીની મનન વિદ્યાલયમાંથી રૂ. 4.37 લાખ અને સેગવા સર્વિસ સ્ટેશનમાંથી રૂ. 70 હજાર મળી કુલ 5 લાખથી વધુની ચોરી કરી હતી. ચોરીની ઘટનાઓના CCTV ફૂટેજમાં તસ્કરો શરીર પર એકસરખા ધાબળા ઓઢીને અને હાથમાં ગ્લોવ્ઝ પહેરીને જોવા મળ્યા હતા, જેના પરથી પોલીસને કોઈ ચોક્કસ ગેંગ હોવાની શંકા ગઈ હતી.
પોલીસે CCTVના આધારે આરોપીઓને શોધી કાઢ્યા
તપાસમાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે સેગવા ચોરી વખતે એક જાગૃત કાર ચાલકે તસ્કરોની બાઈકનો નંબર પ્લેટ સાથેનો ફોટો પાડી લીધો હતો. આ કડીના આધારે પોલીસે દિવેર ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ચોરીમાં વપરાયેલ બાઈક સાથે ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. શિનોર પોલીસે ગુનો નોંધી આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓ અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.













