વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણ સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એ લાલ આંખ કરી છે. એક હિંમતવાન ફરિયાદીની જાગૃતતાને પગલે ACBએ અક્ષર ચોક જેવા જાહેર વિસ્તારમાં છટકું ગોઠવીને PI વતી લાંચ લેતા વચેટિયા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને 2 લાખ રૂપિયાની રોકડ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.


શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, પાદરા પોલીસ મથકમાં નોંધાયેલા ઝઘડાના કેસને લવ જેહાદનો ગુનો બતાવી કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ફરિયાદીને હેરાન ન કરવા માટે PI વી.એ. ચારણ દ્વારા મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતમાં આરોપીઓએ 6 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, પરંતુ લાંબી રકઝક બાદ 2 લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. આરોપીઓ ફરિયાદીને વારંવાર ફોન કરીને નાણાં માટે દબાણ કરી રહ્યા હતા.

ACBની સફળ ટ્રેપ

લાંચ આપવાને બદલે ફરિયાદીએ વડોદરા એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના અધિકારીઓએ પંચોની હાજરીમાં છટકું ગોઠવ્યું હતું. શહેરના અક્ષર ચોક પાસે જ્યારે વચેટિયો સાજીદઅલી ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયા સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ એસીબીની ટીમે તરાપ મારી તેને પકડી પાડ્યો હતો. એસીબીએ લાંચની રકમ કબજે કરી આરોપીની અટકાયત કરી છે.

મુખ્ય આરોપી PI ફરાર

આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ગણાતા પાદરાના PI વી.એ. ચારણ હાલ ફરાર થઈ ગયા છે. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને પીઆઈની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ખાખી પર લાગેલા આ ડાઘને પગલે વડોદરા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે.


આ પણ વાંચો----    Dahod: કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કંકાસમાં માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોતથી પંથકમાં અરેરાટી

  • Follow us on: