વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની વસ્તી ગણતરી આવતીકાલે શનિવાર, 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. આ ગણતરી એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં ઝૂઓલોજી વિભાગના 30 વિદ્યાર્થી વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ એનજીઓના વોલિન્ટિયરો જોડાશે.


મગરોની ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે

મગરોની ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. સવારે 9થી 11 વાગ્યા દરમિયાન દિવસે ડાયરેક્ટ સાઈટીંગ પદ્ધતિથી ગણતરી થશે, જ્યારે રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન ટોર્ચ અને સ્પોર્ટ લાઇટના સહારે મગરોની આંખોમાં દેખાતા ફાયર રેડ સાઇનના આધારે ઓળખ કરીને ગણતરી કરવામાં આવશે. મગરની આંખોમાં ટોર્ચ મારતા જ લાલચમક જોવા મળે છે, જે અન્ય કોઈ પ્રાણીમાં જોવા મળતી નથી.

 25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો

મગરોની ગણતરી માટે વડોદરા શહેરના દેણાથી લઈ તલસટ સુધીના વિશ્વામિત્રી નદીના અંદાજે 25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વન વિભાગનો એક કર્મચારી, એક એનજીઓ પ્રતિનિધિ તથા બે થી ત્રણ વિદ્યાર્થી વોલિન્ટિયર રહેશે. કુલ 10 એનજીઓ, 10 વન વિભાગના કર્મચારીઓ અને 30 જેટલા વિદ્યાર્થી વોલિન્ટિયરો આ સમગ્ર કામગીરીમાં જોડાશે.

દરેક ટીમને એક ફોર્મ આપવામાં આવશે

દરેક ટીમને એક ફોર્મ આપવામાં આવશે, જેમાં મગરની અંદાજિત લંબાઈ (હેડથી ટેલ સુધી), દેખાવનો સમય અને સ્થળ સહિતની વિગતો નોંધવાની રહેશે. દિવસ દરમિયાન મગર સ્પષ્ટ રીતે દેખાતા હોવાથી ગણતરી પ્રમાણમાં સરળ રહે તેવી શક્યતા છે.

શિયાળાનો સમય મગરોની ગણતરી માટે શ્રેષ્ઠ

રાત્રિ દરમિયાન સુરક્ષાના પગલાંરૂપે દરેક ટીમ પાસે ડંડા, સ્પોર્ટ લાઈટ, ટોર્ચ તેમજ એક ટ્રેઈન્ડ ગાર્ડ રહેશે. શિયાળાનો સમય મગરોની ગણતરી માટે શ્રેષ્ઠ માનવામાં આવતો હોવાથી આ સમયગાળો પસંદ કરાયો છે.

મગર વિશ્વામિત્રી નદી માટે મહત્વનું પ્રાણી

ઉલ્લેખનીય છે કે મગર વિશ્વામિત્રી નદી માટે મહત્વનું અને શિડ્યુલ-1માં આવતું સંરક્ષિત પ્રાણી છે.આવતીકાલની ગણતરી બાદ વિશ્વામિત્રી નદીમાં મગરોની વર્તમાન વસ્તી અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવશે.


આ પણ વાંચો-----    Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

  • Follow us on: