વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી અમિ લાઇફ સાયન્સ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે. કંપનીના પ્લાન્ટ નં.6માં 5% રોડિયમ ઓન કાર્બન પાવડરનું 20 કિલો વજનનું 1 ડ્રમ, જેની કિંમત ₹74.22 લાખ હતી, ગુમ થવાની જાણકારી મળી હતી.
કંપનીના સીસીટીવી ફૂટેજમાં ખુલાસો
કંપનીના સીસીટીવી ફૂટેજ તપાસતાં ખુલ્યું કે, કોન્ટ્રાક્ટ લેબર રાહુલ સુરેશભાઈ રાજપૂત, જેને કંપનીએ એક દિવસ પહેલાં નોકરીમાંથી કાઢી મુક્યો હતો, તે અન્ય સાગરીતો સાથે આ ચોરીમાં સંડોવાયેલો હતો. વધુ તપાસમાં માલુમ પડ્યું કે રાહુલ ઉપરાંત 7 જેટલા લેબરો પણ ચોરી બાદ નોકરી પર આવી રહ્યા ન હતા.













