વડોદરાના ફતેગંજ પોલીસ મથક પાસે આજે અમદાવાદ એલ.સી.બી.ની ટીમ અને સ્થાનિકો વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. બગોદરા ખાતે થયેલી લૂંટના આરોપીનું પગેરું ફતેગંજ વિસ્તારમાં મળતા, પોલીસની ટીમ તેને પકડવા અને મુદ્દામાલ જપ્ત કરવા પહોંચી હતી. જોકે આ કામગીરી દરમિયાન પોલીસની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો. પોલીસે લૂંટના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ તરીકે સ્કોર્પિયો ગાડી જપ્ત કરી હતી. જ્યારે પોલીસ સ્ટાફ આ જપ્ત કરેલી સ્કોર્પિયો લઈને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.
ફતેગંજ પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો
આ અકસ્માતને પગલે સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસ ટીમનો ઘેરાવો કર્યો હતો. ઘટનાને પગલે ફતેગંજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા માટે અમદાવાદ એલ.સી.બી.ના પોલીસકર્મીઓએ વાહનોમાં થયેલી નુકસાનીની ભરપાઈ કરી આપવાની લેખિતમાં બાંહેધરી આપી હતી. પોલીસની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે, કાયદો જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેમના દ્વારા જ સર્જાયેલા આ અકસ્માતે લોકોમાં ચર્ચા જગાવી છે.













