આજે સવારે ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક ગમખ્વાર બસ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં પાંચ ગુજરાતી મુસાફરોના કરૂણ મોત નીપજ્યા છે. શ્રદ્ધાળુઓને લઈ જતી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, દુર્ઘટનાગ્રસ્ત બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં જે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમાં ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે અને તેઓ મૂળ ગુજરાતના રહેવાસી હતા.


વડોદરામાં શોકનું મોજું ફરી વળ્યું 

મૃતકોમાં વડોદરાના 60 વર્ષીય પાર્થસારથી જોશીનું પણ મોત થયું હોવાની માહિતી મળી છે, જેના પગલે વડોદરામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હાલ બચાવ તથા રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગંભીર રીતે ઘવાયેલા અન્ય મુસાફરોને બસના કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: