Vadodara News: હોળી-ધુળેટીએ નદીમાં નહાવા પર પ્રતિબંધ, કલેક્ટરનું જાહેરનામું


વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના જાહેરનામા મુજબ આગામી 3 અને 4 માર્ચ 2026ના રોજ જિલ્લાની નદીઓ, નાળા અને ચેકડેમોમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ખાસ કરીને શિનોર તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલા દિવેર મઢી, માંડવા, બરકાલ અને માલસર જેવા જાણીતા નર્મદા ઘાટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે, જેથી ઉત્સાહમાં આવીને કોઈ પણ વ્યક્તિ પાણીમાં ઉતરે નહીં.

નદીઓમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ભૂતકાળમાં તહેવારો દરમિયાન સર્જાયેલી ડૂબી જવાની કરૂણ દુર્ઘટનાઓ છે. ધુળેટીના રંગો રમી લીધા બાદ અનેક યુવાનો નજીકની નદી કે નાળામાં નહાવા માટે જતા હોય છે, જેમાં નદીના પ્રવાહ કે ઉંડાણનો અંદાજ ન આવતા અનેક આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા અને પરિવારોની ખુશી માતમમાં ન ફેરવાય તે હેતુથી વહીવટી તંત્રએ આ વર્ષે વહેલી તકે પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. શિનોર મામલતદાર અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને આ આદેશનું ચુસ્ત પાલન કરાવવા માટે ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે.

શિનોરના નર્મદા ઘાટ પર પોલીસ બંદોબસ્ત

વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાકીય જોગવાઈ મુજબ સરકારી આદેશના અનાદર બદલ ધરપકડ કે દંડની સજા થઈ શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પવિત્ર પર્વની ઉજવણી સુરક્ષિત રીતે કરે અને પાણીના જોખમી સ્ત્રોતોથી દૂર રહીને તંત્રને સહયોગ આપે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: