વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. પાદરા-જંબુસર હાઈવે પર ડભાસા ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડભાસા ગામની સીમમાં પાદરા-જંબુસર રોડ પર બે બાઈક સામસામે અથડાઈ હતી.


પાદરા જંબુસર રોડ પર સર્જાયો હતો અકસ્માત

ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈક સવારો રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં એક બાઈક ચાલકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક સવારને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ પાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પાદરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

અકસ્માતને પગલે રસ્તા પર ખોરવાયેલા ટ્રાફિકને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો. પાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે કે આ અકસ્માત કયા કારણોસર સર્જાયો અને તેમાં કયા ચાલકની ભૂલ હતી. ઉલ્લેખનીય છે કે પાદરા-જંબુસર રોડ પર ભારે વાહનોની અવરજવર અને ઓવરટેક કરવાની લ્હાયમાં અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે, જેના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: