માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલુ હોવા છતાં ત્યાં સુરક્ષા માટે કોઈ બેરિકેડિંગ કે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. આ ગંભીર બેદરકારીને કારણે એક યુવક ખાડામાં ખાબક્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાની અરજી અને મૃતકની પત્નીની ફરિયાદના આધારે ઇકો ફેસિલિટીસ નામની ઇજારદાર કંપની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


માનવ વધનો ગુનો અને કાયદાકીય કલમો

પોલીસે આ ઘટનામાં ઇજારદાર કંપનીના માલિક અને તપાસમાં બહાર આવતા જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 105 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. સાપરાધ માનવ વધ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા કોન્ટ્રાક્ટર આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરક્ષાના નિયમોના લીરેલીરા

તપાસમાં સામે આવ્યું છે કે કામગીરીના સ્થળે કોઈપણ પ્રકારનું બેરિકેડિંગ નહોતું કે ન તો કોઈ ચેતવણી આપતા બોર્ડ હતા. નિયમ મુજબ જોખમી કામગીરી વખતે રાત્રિના સમયે રિફ્લેક્ટર કે લાઈટિંગની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે, જેનો અહીં સદંતર અભાવ હતો. પોલીસે હવે આ મામલે જવાબદાર તમામ વ્યક્તિઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: