વડોદરા શહેરના બે લોકપ્રિય બગીચાઓ, કમાટીબાગ (સયાજીબાગ) અને ગોત્રી ગાર્ડન, હવે સુરક્ષા અને શાંતિની જાળવણી માટે એક નવા નિયમ હેઠળ મૂકવામાં આવ્યા છે. આ બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓની વધતી જતી ફરિયાદોને ગંભીરતાથી લઈને, વડોદરા મહાનગરપાલિકા કમિશનરે એક મહત્વનો અને કડક નિર્ણય લીધો છે.


રજિસ્ટ્રેશન વગર નહીં મળે પ્રવેશ

મનપા કમિશનરના આદેશ મુજબ, હવેથી આ બંને ગાર્ડનમાં પ્રવેશ મેળવવા માટે દરેક મુલાકાતીએ પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલા રજિસ્ટરમાં પોતાની વિગતોની ફરજિયાતપણે એન્ટ્રી કરાવવી પડશે. રજિસ્ટ્રેશન વગર હવે કોઈ પણ મુલાકાતીને બગીચામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમનો અમલ તત્કાળ અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.

અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ લાવવા માટે કરાયો નિર્ણય

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સ્થળોએ થતી અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ લાવવાનો છે. રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાથી આવતા તમામ મુલાકાતીઓની ઓળખ સ્થાપિત થઈ શકે છે. ભવિષ્યમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને, તો જવાબદાર વ્યક્તિઓને ઓળખવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આ એન્ટ્રી પુરાવારૂપ સાબિત થશે.

આ પ્રકારના પગલાં સમયની માંગ - સ્થાનિકો

વડોદરા મનપા કમિશનરના આ પગલાને શહેરના જાગૃત નાગરિકો દ્વારા સ્વાગત અને આવકારદાયક ગણાવવામાં આવ્યું છે. લોકોનું માનવું છે કે, જાહેર સ્થળોની સુરક્ષા જાળવવા અને પરિવાર સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં બગીચાની મુલાકાત લેતા લોકોને વધુ સુરક્ષિત અનુભવ પૂરો પાડવા માટે આ પ્રકારના પગલાં સમયની માંગ છે.


આ પણ વાંચો - Surat News: રોફ જમાવવા જાહેરમાં કેક કાપનાર પિન્ટુને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, પાંડેસરા પોલીસે શેર કર્યો વિડિયો



  • Follow us on: