વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આજે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ડેરીની કુલ 13 બેઠકો માટે કુલ 55 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ખેંચવાની પ્રક્રિયા બાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે.


ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણ

વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ચૂંટણીની પ્રક્રિયા નીચે મુજબ આગળ વધશે: 28 ફેબ્રુઆરીના રોજ ભરાયેલા તમામ ફોર્મની કાયદેસરની તપાસ કરવામાં આવશે. 7 માર્ચ સુધી ઉમેદવારો પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. આ તારીખ બાદ જ ખબર પડશે કે કેટલી બેઠકો પર સીધો જંગ જામશે. આ ચૂંટણીમાં સૌથી મહત્વના સમાચાર ઝોન-11 માંથી આવી રહ્યા છે. આ બેઠક પર માત્ર એક જ ફોર્મ ભરાયું છે. બરોડા ડેરીના વર્તમાન વાઈસ ચેરમેન જી. બી. સોલંકીએ આ ઝોનમાંથી ઉમેદવારી નોંધાવી છે.

7 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે

અન્ય કોઈ પણ ઉમેદવારે ફોર્મ ન ભરતા જી. બી. સોલંકી હવે બિનહરીફ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. જો તેમનું ફોર્મ ચકાસણીમાં માન્ય ઠરશે, તો તેઓ બિનહરીફ વિજેતા જાહેર થશે. બરોડા ડેરીની આ ચૂંટણી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે આ સત્તા પરિવર્તન ડેરીના વહીવટ અને ભાવ નિર્ધારણ પર સીધી અસર કરે છે. હવે જોવાનું એ રહેશે કે 7 માર્ચ પછી કેટલી બેઠકો પર મતદાનની નોબત આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: