વડોદરા શહેરનો કમાટીબાગ હંમેશા નવીન આકર્ષણો માટે જાણીતો રહ્યો છે. હવે કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ અને વાઘણની જોડીના આગમનથી શહેર સહિત રાજ્યભરના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઉમેરાયું છે. અંદાજિત ચાર દાયકા બાદ વડોદરા ઝૂમાં ફરી એકવાર વ્હાઈટ ટાઈગરનું પુનરાગમન થયું છે.
સફેદ વાઘ દુર્લભ પ્રજાતિ હોવાથી તેને મેળવવું સરળ ન હતું
ઝૂ પ્રશાસન દ્વારા મળતી માહિતી અનુસાર, એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લાંબા સમયથી સફેદ વાઘ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. સફેદ વાઘ દુર્લભ પ્રજાતિ હોવાથી તેને મેળવવું સરળ ન હતું. જોકે રાજકોટ ઝૂમાં સફળ બ્રીડિંગ બાદ સ્પેર પ્રાણીઓ ઉપલબ્ધ થતાં, રાજકોટ ઝૂ સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આ જોડી મેળવવામાં આવી છે.
વિદેશી પક્ષીઓ પણ અપાયા
એક્સચેન્જના ભાગરૂપે વડોદરા ઝૂ તરફથી વિદેશી પક્ષીઓ જેવી કે મકાઉ, રીંગ-નેક ફેઝન્ટ, એમેઝોન પેરોટ, એલેક્ટસ પેરોટ, બ્લેક સ્વાન અને કોકાટુની જોડીઓ રાજકોટ ઝૂને આપવામાં આવી છે, જ્યારે સામે સફેદ વાઘ અને વાઘણની જોડી વડોદરા ઝૂમાં લાવવામાં આવી છે.
હાલ સફેદ વાઘોની જોડી ક્વોરન્ટીનમાં રાખવામાં આવી
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમો અનુસાર હાલ સફેદ વાઘોની જોડી ક્વોરન્ટીનમાં રાખવામાં આવી છે. ક્વોરન્ટીનનો સમયગાળો ન્યૂનતમ 15 થી 45 દિવસનો હોય છે. પ્રાણીઓ નવા વાતાવરણ સાથે જેટલા વહેલા એડજસ્ટ થશે, તેટલા વહેલા તેમને જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે. શક્યતા છે કે આગામી 15 દિવસ બાદ મુલાકાતીઓ સફેદ વાઘની જોડીના દર્શન કરી શકશે.
પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
કમાટીબાગ ઝૂમાં સફેદ વાઘના આગમનથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર