વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને ડોગ બાઈટની ઘટનાઓ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે વડોદરા મહાનગરપાલિકાએ શહેરને રખડતા શ્વાન મુક્ત કરવા અને લોકોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. વડોદરાના 4 ઝોનમાં 4 હજાર જેટલા સ્ટ્રીટ ડોગ માટે કાયમી શેલ્ટર હોમ બનાવવામાં આવશે.


897 સ્થળોએથી હટાવાશે કૂતરાઓ

સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં એવા 897 સંવેદનશીલ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં સ્ટ્રીટ ડોગ ન હોવા જોઈએ. પબ્લિક પ્લેસમાંથી આ કૂતરાઓને હટાવ્યા બાદ તેમને કાયમ માટે શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. આ માટે ખટંબાના સેન્ટરમાં 350 થી 500 ડોગની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે, જ્યારે અન્ય 4 ઝોનમાં નવા શેલ્ટર હોમ બનશે.

વેક્સિનેશન અને નવી પોલિસી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 45,000 નર અને 33,000 માદા શ્વાનનું વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે તમામ શ્વાનને એન્ટી-રેબીઝ રસી આપવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને કુતરા પકડવા માટેના નવા વાહનો તેમજ શેલ્ટર હોમ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

લોક જાગૃતિ પર ભાર

માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા માટે પાલિકા નવી 'ડોગ પોલિસી' પણ બનાવશે. જે અંતર્ગત જાહેર સ્થળો પર શ્વાનને ખાવાનું ખવડાવવા અને તેમની જાળવણી અંગેના નિયમો નક્કી કરવામાં આવશે. આ નિર્ણયથી વડોદરાના નાગરિકોને વર્ષો જૂની રખડતા કૂતરાઓની સમસ્યામાંથી મોટી રાહત મળવાની આશા છે.


આ પણ વાંચો - Vadodara માં ‘ભૂવા’ રાજ, અટલાદરા ચેકપોસ્ટ પાસે રોડ બેસી જતાં કાર ખાડામાં ગરકાવ!


  • Follow us on: