વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામમાં દીપડાનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આજે સાંજના સમયે નોકરી પરથી પોતાના ઘરે બાઇક પર જઈ રહેલા એક યુવક પર અચાનક દીપડાએ હુમલો કરતાં ભારે ગભરાટ ફેલાયો હતો. યુવક પર હુમલો થતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બાઇક સવાર પર ત્રાટક્યો દીપડો
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક આ ખૂંખાર દીપડાને પાંજરે પૂરવા અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ઉગ્ર માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં આવા માનવ પર હુમલાની ઘટનાઓ અટકાવી શકાય. અમળી ગામ અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગે પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારવાની કવાયત હાથ ધરી છે.













