વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. ભીલાડ-સંજાણ રોડ પરથી પસાર થઈ રહેલી એક ઇકો કાર અચાનક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં રોડ કિનારે આવેલી કેનાલમાં ખાબકી હતી. કાર કેનાલના પાણીમાં પલટી મારી જતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઘટનાના પગલે સ્થાનિક લોકોની ત્વરિત સક્રિયતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે.


કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

ભીલાડ-સંજાણ રોડ પરથી પસાર થતી વખતે ઇકો કારના ચાલકે અચાનક જ કોઈ કારણોસર ગાડી પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર સીધી કેનાલના ઊંડા પાણીમાં જઈ પડી હતી. કાર પાણીમાં ખાબકતા જ ચાલક અંદર ફસાઈ ગયો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક કેનાલ તરફ દોડી આવ્યા હતા અને પોતાની જાનના જોખમે પાણીમાં ઉતરીને કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. સ્થાનિકોની આ સમયસૂચકતાના લીધે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.

પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતની આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ બંને ટીમો તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તાત્કાલિક ભારે ભરખમ ક્રેન મંગાવી હતી. ક્રેનની મદદથી કેનાલના પાણીમાં ડૂબેલી ઇકો કારને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. સદ્દનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: