ગુજરાતમાંથી નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ડ્રગ્સ માફિયાઓ સામે એક બહુ મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સરોધી ગામમાં એસઓજીની ટીમે ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે લહેરાતું આખેઆખું ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું છે. પોલીસની આ ઓચંતી રેડથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે.


પ્રતિબંધિત નશાકારક ગાંજાના છોડનું વાવેતર

મળતી સત્તાવાર માહિતી મુજબ, વલસાડ SOGની ટીમને સરોધી ગામમાં ખેતરની આડમાં પ્રતિબંધિત નશાકારક ગાંજાના છોડનું વાવેતર થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે આયોજનબદ્ધ રીતે સરોધીમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ખેતરમાંથી લીલાછમ ગાંજાના અસંખ્ય છોડ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આશરે 40 લાખની બજાર કિંમતના ગાંજાના છોડનો જથ્થો જપ્ત કરી લીધો છે.

 મુખ્ય આરોપીની ધરપકડ

આ ગેરકાયદેસર ખેતીના મામલે પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શાકભાજી કે અન્ય પાકની આડમાં આ નશાની ખેતી છૂપી રીતે કરવામાં આવી રહી હતી જેથી કોઈને શંકા ન જાય. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ નશાનો જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે, તે દિશામાં વલસાડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.  


આ પણ વાંચો---     Gujarat Latest News Live : મોદી સરકારના સફળ 12 વર્ષ: ગુજરાતના મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમ



  • Follow us on: