બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ અને વાવ પંથકના વિકાસને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એક જાહેર મંચ પરથી થરાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની મહત્વની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં આ પંથકની ભૂગોળ અને અર્થતંત્ર બંને બદલી નાખશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.


વિકાસને મળશે નવી પાંખો

શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, થરાદમાં જો ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તો તેની સીધી અસર માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાન અને કચ્છના વિસ્તારો પર પણ પડશે. આ એરપોર્ટ આવવાથી અહીંના વેપાર-ઉદ્યોગ અને ખેતીના ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં પહોંચાડવામાં સરળતા રહેશે. ખાસ કરીને દાડમ અને અન્ય ખેતી પાકોના નિકાસ માટે આ એરપોર્ટ આશીર્વાદરૂપ સાબિત થશે.

કચ્છ અને રાજસ્થાનને થશે મોટો ફાયદો

ભૌગોલિક દ્રષ્ટિએ થરાદ એ રાજસ્થાન અને કચ્છની સરહદની નજીક આવેલું છે. અહીં એરપોર્ટ બનવાથી રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને કચ્છના રાપર-ભચાઉ વિસ્તારના લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરની કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટના કારણે આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થશે અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ક્રાંતિ આવશે.

સરહદી વિસ્તારનો વૈશ્વિક ઉદય

વિધાનસભા અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવનાર સમયમાં થરાદ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ સાકાર થશે, જે વિકાસને બુસ્ટર ડોઝ આપવાનું કામ કરશે. વાવ-થરાદ વિસ્તાર જે અત્યાર સુધી પછાત ગણાતો હતો, તે હવે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વૈશ્વિક નકશા પર ચમકશે. આ જાહેરાત બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ક્યારે શરૂ થાય છે.


આ પણ વાંચો - Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળી શહેરીજનોને



  • Follow us on: