બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક મોબાઈલ રિપેરિંગ અને સેલ્સ એન્ડ સર્વિસની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મુદ્દામાલની મત્તા પાર કરી દીધી છે. 5 જૂનની રાત્રે બનેલી આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રોકડ રકમ અને રિપેરિંગના મોબાઈલની ઉઠાંતરી
તસ્કરો દુકાનનાં તાળાં તોડી અંદર પ્રવેશ્યા હતા અને ગલ્લામાં રાખેલી 10 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. આટલું જ નહીં, દુકાનમાંથી મોંઘા મોબાઈલ ચાર્જર, નેકબેન્ડ, પાવર બેંક સહિતની કિંમતી એસેસરીઝની પણ ઉઠાંતરી કરવામાં આવી હતી. સૌથી મોટું નુકસાન એ થયું છે કે ગ્રાહકો દ્વારા રિપેરિંગ માટે મૂકવામાં આવેલા અંદાજે 30 જેટલા મોબાઈલ ફોન પણ ચોર ટોળકી ચોરી ગઈ છે, જેને પગલે દુકાનદારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.













