ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં વેરાવળ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક કાર ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ રસ્તા વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ડિવાઈડર સાથે અથડાતાની સાથે જ કારનું એક વ્હીલ (પૈડું) આખું નીકળીને અલગ થઈ ગયું હતું. આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.


કાર ડીવાઈડર સાથે અથડાતા વ્હીલ નીકળી ગયું

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઉના નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વેરાવળ રોડ પર ડિવાઈડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. અધૂરી કામગીરી અને યોગ્ય આયોજનના અભાવે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. આજના અકસ્માતમાં પણ ડિવાઈડર દેખાતા અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ છૂટી જતાં આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. વાહનોની સતત અવરજવર ધરાવતા આ માર્ગ પર સુરક્ષાના સાધનોનો અભાવ હોવાથી વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો

આ અકસ્માત બાદ વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે ઉગ્ર માંગણી કરી છે કે, જ્યાં સુધી ડિવાઈડરની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રાત્રિના સમયે દ્રશ્યમાન થાય તેવા રિફ્લેક્ટર અથવા ડાયવર્ઝન માટેના સૂચક બોર્ડ તાત્કાલિક લગાવવામાં આવે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે તંત્ર જાગે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: