વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રવિવારની રજા માણી રહેલા યુવાનો માટે આલમગઢનું તળાવ કાળમુખું સાબિત થયું છે. આલમગઢ ગામના તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવાનો અચાનક ડૂબવા લાગતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ગ્રામજનોની તત્પરતાને કારણે બે યુવાનોને જીવિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે યુવાનો હજુ પણ ઊંડા પાણીમાં લાપતા છે.
ન્હાવા પડ્યા અને દુર્ઘટના સર્જાઈ
ઘટનાની મળતી માહિતી અનુસાર, રવિવારની બપોરે આલમગઢ ગામના ચાર યુવાનો ગામના જ તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. બૂમાબૂમ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બે યુવાનોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.













