મહેસાણાના દેદીયાસણ GIDCની કંપનીઓ અને ફેક્ટરીઓમાં શ્રમ વિભાગની તપાસ દરમિયાન કુલ 9 જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં બાળ મજૂરીના દૂષણ પર પ્રકાશ પાડ્યો છે. શ્રમ વિભાગે દેદીયાસણ GIDCમાં અચાનક તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલીક કંપનીઓમાંથી સગીર વયના બાળકો કામ કરતા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન માન ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 17 વર્ષની 5 કિશોરીઓ અને 1 કિશોર મળી આવ્યા હતા.
GIDCની કંપનીઓ-ફેક્ટરીઓમાં શ્રમ વિભાગની તપાસ
આ જ રીતે ત્રિદેવ ટ્રેડર્સમાંથી પણ 2 કિશોરો મળી આવ્યા હતા. આ ઉપરાંત સનરાઈઝ એગ્રો નામની કંપનીમાં એક કિશોર બોઈલર જેવા અત્યંત જોખમી કામમાં જોતરાયેલો જોવા મળ્યો હતો. આ કાર્યવાહીમાં મુક્ત કરાયેલા કુલ 9 બાળ શ્રમિકોને તુરંત જ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શ્રમ વિભાગે આ કંપનીઓ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. બાળ મજૂરી એ કાયદાકીય ગુનો છે અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી કંપનીઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.













