મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા કસિમપુરા ગામે એક જમીન વિવાદને કારણે ભારે તણાવ સર્જાયો હતો. ગામમાં આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની દીવાલના મુદ્દે બે સ્થાનિક જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બાદમાં મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ ૮થી ૧૦ લોકોને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દીવાલના નિર્માણ અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જે અંતે હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો.
45 લોકો સામે પોલીસ ફરિયાદ
આ મારામારીની ઘટના બાદ બંને જૂથોએ એકબીજા વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 45 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આટલી મોટી સંખ્યામાં લોકો સામે ફરિયાદ નોંધાતા ગામમાં ભય અને તણાવનું વાતાવરણ ફેલાયું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગામમાં કોઈ વધુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.













