ગુજરાતમાં દાહોદ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા મનરેગા કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. ત્યાં જ મહેસાણાના ખેરાલુ તાલુકામાં લોકપાલ દ્વારા સાતથી આઠ કરોડના મનરેગા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખેરાલુના ચાચરિયા ગામમાં મનરેગા કૌભાંડ થયુ હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ અંગે લોકપાલ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરાઈ હતી. જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.


ચાચરિયા ગામે મનરેગા કૌભાંડની થઈ હતી ફરિયાદ

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામમાં સાતથી આઠ કરોડનું મનરેગા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સમગ્ર કૌભાંડ અંગે તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને આધારે લોકપાલ ગીરિશ શર્માએ રૂબરૂ સ્થળ તપાસ કરી હતી. સરકારી ચોપડે 50 જેટલા શ્રમિકોના નામ દર્શાવાયા હતાં. શ્રમિકોએ કરેલા કામ કરતાં કાગળ પર વધુ દિવસો બતાવવામાં આવ્યા હતાં. બોગસ જોબકાર્ડ બનાવીને માત્ર કાગળ પર માટી કામ બતાવી દેવાયું હતું. માટીકામના પાંચ કામો કર્યા વિના લાખો રૂપિયા ચાંઉ કરી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત બોગસ જોબ કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ પણ બનાવી દેવાયા હતાં.

સરકારી ચોપડે 50 શ્રમિકોના નામ દર્શાવાયા હતા

આરોપીઓએ આ કૌભાડમાં જે 50 શ્રમિકોનો ઉલ્લેખ કર્યો હતો તેમાંથી માત્ર 6 શ્રમિકો જ જવાબ આપવા આવ્યા હતાં. જે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતાં તેના એટીએમ અને પીન નંબર મેળવીને કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ઉપાડવામાં આવ્યા હતાં. લોકપાલની રૂબરૂ મુલાકાતમાં આ કૌભાંડ જાહેર થતા હવે રાજ્યકક્ષાએથી વિશેષ તપાસ સમિતિ બનાવી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તમામ જવાબદારો સામે સખત સજા કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. સુત્રોનું કહેવું છે કે, આમાં તપાસ થાય તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.


  • Follow us on: