વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ તરીકે ઊભરી રહેલું માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્ર (MBSIR) એ ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનું કેન્દ્ર છે. મારૂતિ સુઝુકી અને હોન્ડા જેવી જાણીતી કંપનીઓ સ્થાપિત થવાના કારણે અહીંના સ્થાનિક ધંધા-રોજગારને વેગ મળ્યો છે અને લોકોના જીવનધોરણનું સ્તર ઊંચું આવ્યું છે.


આજે ટર્ન ઓવર સાડા ત્રણ કરોડ સુધી પહોંચ્યું

માંડલ-બેચરાજીનો ઔદ્યોગિક વિકાસ થવાના કારણે બેચરાજીના 31 વર્ષીય પ્રદ્યુમનસિંહ ઝાલા આજે પોતાના વ્યવસાયમાં આગળ પડતા છે અને કરોડોનું ટર્નઓવર ધરાવે છે.બી.ઈ. મિકેનિકલનો અભ્યાસ કર્યા બાદ તેઓ 30 હજારની સેલેરી સાથે કંપનીમાં જોબ કરતા હતા.આજે બેચરાજીમાં તેમની પાસે જેકે ટાયર, બ્રિજસ્ટોન, યોકોહોમા અને એક્સાઇડની ડીલરશિપ છે અને મહિને એક લાખથી વધુ રૂપિયાનો નફો કરે છે.પ્રદ્યુમનસિંહ ઝાલા જણાવે છે કે, “હું છેલ્લા 4 વર્ષથી ટાયર બિઝનેસ સાથે જોડાયેલો છું. શરૂઆતમાં અમારું વાર્ષિક ટર્નઓવર ₹50 લાખ હતું, જે આજે લગભગ સાડા 3 કરોડ સુધી પહોંચ્યું છે.

MBSIR બનવાને કારણે સ્થાનિક સ્તરે અઢળક તકો ઉપલબ્ધ

અમદાવાદના માંડલ તાલુકાના સીતાપુર ગામના અને ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા અમરસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે,સીતાપુર તથા આસપાસના ગામના લોકોને અહીં સ્થપાયેલી કંપનીઓમાં રોજગારી મળી રહી છે. આ તકો સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર બંનેને પ્રાપ્ત થઈ છે. એક સમયે લોકો નોકરી માટે સ્થળાંતર કરતા, પણ MBSIRને કારણે સ્થળાંતર કરનારા લોકોમાં અત્યંત ઘટાડો થયો છે. આજે ઔદ્યોગિક વિસ્તારો ધમધમતા હોવાથી નાના-મોટા વ્યવસાયોનો વકરો વધ્યો છે. કરિયાણા, કાપડ, ડેરી જેવા નાના વ્યવસાયકારોને પણ લાભ થયો છે.

ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાનો વકરો થયો બમણો

બેચરાજીથી 3 કિમી દૂર ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાએ જણાવ્યું હતું કે, “માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન બન્યું, એ પહેલાં માત્ર ગામના લોકો અને એક ગામથી બીજે ગામ જતા લોકો જ ચા પીવા માટે ક્યારેક આવતા. હવે MBSIR બનવાના કારણે કનેક્ટિવિટી વધી છે, જેથી ટી સ્ટોલ પર આવતા ગ્રાહકોની સંખ્યા પણ વધી છે. પહેલાં અમારે દિવસમાં ₹1000થી ₹1200 જેટલો વકરો થતો હતો. પણ હવે મારો રોજનો ₹4000થી ₹5000 જેટલો વકરો થાય છે. ધંધાની આવક વધવાના કારણે જીવનધોરણમાં પણ સુધારો આવ્યો છે. બાળકોને સારું શિક્ષણ પણ આપી શકીએ છીએ.”

માંડલ બેચરાજી SIRની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં થશે ચર્ચા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હેઠળ કુલ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રાદેશિક કોન્ફરન્સિસ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાશે. સૌથી પહેલાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં થવાનું છે.


  • Follow us on: