મહેસાણાના વિસનગર તાલુકાના ઉદલપુર ગામ ખાતે આવેલી ભોલે શંકર ક્રેડિટ સોસાયટીમાં આજે સાધારણ સભા દરમિયાન ભારે હોબાળો અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. એક પિતા-પુત્રએ સંસ્થાના મેનેજર અને કારોબારી સભ્યોને ધાક-ધમકી આપી હતી અને આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ આ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં મુખ્ય મુદ્દો 25 વર્ષ જૂના સભાસદોને રદ્દ કરવા અંગેનો હતો.


સભામાં 25 વર્ષ જુના સભાસદોને રદ્દ કરવા મામલે ચકમક

જોકે સભાસદોએ આ પ્રસ્તાવનો વિરોધ કરીને જૂના સભ્યોને રદ્દ ન કરવા માટે ઠરાવ પસાર કર્યો હતો. આ બાબતથી નારાજ થઈને કાનજી પટેલ અને તેના પુત્ર રોહિત પટેલે સભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ બંને પિતા-પુત્રએ મેનેજર અને નવીન કારોબારી સભ્યો સાથે ગેરવર્તન કર્યું અને સંસ્થાને તાળું મારી દેવાની ધમકી આપી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે બંનેએ સોસાયટીના હોલમાં ઘૂસીને અંદરથી દરવાજો બંધ કરી દીધો. જેના કારણે બહાર ઊભેલા સભ્યો ગભરાઈ ગયા હતા.

સંસ્થાને તાળું મારી દેવાની ધમકી અપાઈ

મામલો ગંભીર બનતા આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરી બાદ જ તેમણે અંદરથી દરવાજો ખોલ્યો હતો અને પરિસ્થિતિ થાળે પડી હતી. પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ ઘટનાએ સહકારી સંસ્થાઓમાં આંતરિક વિવાદો અને તેના કારણે થતી અશાંતિને ઉજાગર કરી છે.


  • Follow us on: