મહેસાણા શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે રાધનપુર રોડ પર આવેલી જાણીતી હોટલો અને ફૂડ સ્ટોલ પર સઘન ચેકિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખુદ ફૂડ અધિકારી વી. જે. ચૌધરી ટીમ સાથે આ તપાસમાં જોડાયા હતા.


રાધનપુર રોડની હોટલમાં ફૂડ વિભાગની તપાસ

ટીમ દ્વારા હોટલોમાં આ મુદ્દાઓ પર બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય સામગ્રીની ગુણવત્તા: બટર, ચીઝ, પનીર, ગ્રેવી અને અન્ય તૈયાર ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને ઉપયોગમાં લેવાતી સમયમર્યાદા તપાસવામાં આવી. હાઇજેનિક સ્થિતિ: રસોડાની સ્વચ્છતા, સંગ્રહની પદ્ધતિઓ અને કર્મચારીઓની સ્વચ્છતા સહિતની હાઇજેનિક બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક હોટલોમાં અન-હાઇજેનિક (બિન-સ્વચ્છ) સ્થિતિ અને અખાદ્ય ફૂડ સામગ્રીનો સંગ્રહ જણાયો હતો.

અખાદ્ય ફૂડ સામગ્રી રાખનારને નોટિસ ફટકારી

આ ગંભીર બેદરકારી બદલ ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી સંકલ્પ હોટલ, રાધે કૃષ્ણ હોટલ, શેર-એ-પંજાબ હોટલ આ ત્રણેય જાણીતી હોટલોને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ અને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ વિભાગની આ કાર્યવાહીના કારણે મહેસાણાના ખાણી-પીણીના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


  • Follow us on: